જામનગરમાં ગુજરાત ગેસ પંપ નજીક એક ફોરવ્હીલર કાર રોડ પરના ખુલ્લા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના તંત્ર દ્વારા સુરક્ષાના અપૂરતા પગલાં લેવાયા હોવાનું સૂચવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક પરિવાર ખંભાળિયાથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. તેઓ જામનગરમાં આવેલા ગુજરાત ગેસ પંપ પર CNG ભરાવવા માટે રોકાયા હતા. ગેસ ભરાવીને રાજકોટ તરફ જવા માટે ટર્ન લેતા જ, રસ્તાની બાજુમાં આવેલો મોટો અને ઊંડો ખાડો ન દેખાતા તેમની કાર સીધી તેમાં ખાબકી ગઈ હતી.
અકસ્માત બાદ કાર અડધી ખાડામાં લટકી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને કારમાં સવાર લોકો સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.

આ ઘટનાનો ભોગ બનેલી એક મહિલાએ તંત્રની લાપરવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “અમે ખંભાળિયાથી રાજકોટ જતા હતા. ગુજરાત ગેસ પંપ પર ગેસ ભરાવીને ટર્ન લીધો ત્યારે મોટા ખાડામાં અમારી ગાડી પડી ગઈ. ત્યાં કોઈ બેરિકેડ કે ચેતવણી બોર્ડ નહોતા, જે હોવા જરૂરી હતા. જો કંઈ અઘટિત થયું હોત તો તેની જવાબદારી કોની હોત?”
રસ્તા પર કોઈ ચેતવણી બોર્ડ કે બેરિકેડ ન હોવાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાના દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ આવી જોખમી જગ્યાઓ પર તાત્કાલિક બેરિકેડિંગ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

