ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન ‘ટેરાનોવાસ પિઝા’માં એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં પિઝા ખાવા ગયેલા એક ગ્રાહકના પિઝામાંથી મરેલો વંદો નીકળતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ડિસ્કાઉન્ટ અને આકર્ષક ઓફર્સના નામે ગ્રાહકોને આકર્ષતી આવી મોટી રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતા અને હાઇજિનના નિયમોને કઈ હદે નેવે મૂકી રહી છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
હોંશે હોંશે પિઝા ખાવાનું શરૂ કર્યું અને વચ્ચેથી વંદો નીકળ્યો! રાજ્યના પાટનગરમાં અવારનવાર ખાદ્યપદાર્થોમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી. પ્રાપ્ત વિગતો મુજબ, એક સ્થાનિક પરિવાર વીકએન્ડ (શનિ-રવિની રજાઓ) દરમિયાન કુડાસણ સ્થિત ટેરાનોવાસ પિઝાના આઉટલેટ પર ડિનર માટે ગયો હતો. રેસ્ટોરન્ટ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે ‘બાય વન ગેટ વન ફ્રી’ની લોભામણી સ્કીમ રાખવામાં આવી હતી.
પરિવારે પિઝાનો ઓર્ડર આપ્યો અને પિઝા ટેબલ પર આવ્યા બાદ પરિવારે હોંશે હોંશે ખાવાનું શરૂ કર્યું હતું. જોકે, હજી તો થોડાક જ બાઇટ (બુકડા) લીધા ત્યાં પિઝાના ટુકડામાં ચીઝ અને સોસની બરાબર વચ્ચે એક મોટો વંદો જોવા મળ્યો હતો. પિઝામાં વંદો જોઈને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને મોંમાં રહેલો કોળિયો પણ થૂંકી નાખવો પડ્યો હતો.

