Gujarat

બીમાર પીઢ કાર્યકરને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે મધુર ડેરીના નવનિર્મિત પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પહોંચ્યા ત્યારે તેમને ભાજપના જૂના કાર્યકર રમેશભાઈ ચૌધરીની બીમારીના સમાચાર મળ્યા. આ સમાચાર મળતા જ ગૃહમંત્રી અમિત શાહ તેમની ખબર પૂછવા એપોલો હોસ્પિટલ પહોંચ્યા હતા.

રમેશભાઈ ચૌધરી ભારતીય કિસાન સંઘના પૂર્વ મહામંત્રી અને ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે. 90ના દાયકામાં ગુજરાતમાં કોંગ્રેસ સરકારને હટાવી ભાજપ સરકારની સ્થાપનામાં કિસાન સંઘે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં રમેશભાઈ ચૌધરી સક્રિય રીતે જોડાયેલા હતા. તેમણે તે સમયે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે ઘણા વર્ષો સુધી પાયાના કાર્યકર તરીકે સેવા આપી હતી. તેઓ લાંબા સમય સુધી ભારતીય કિસાન સંઘના મહામંત્રી રહ્યા હતા.

ચૌધરી સમાજમાં રમેશભાઈ ચૌધરી એક અગ્રણી તરીકેનું માન ધરાવે છે. આ ઉપરાંત, મહેસાણા-માણસાના ચૌધરી સમાજના બે રાજકીય આગેવાનો વચ્ચે ચાલતા ગજગ્રાહમાં તેમણે 2022માં મધ્યસ્થી બનીને સમાધાન કરાવ્યું હતું, જેનાથી ભાજપને મદદ મળી હતી.