Gujarat

ખેડાના ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી

ચિતલાવથી સરદારપુરા ગામને જાેડતો મુખ્ય બ્રિજ તૂટ્યો, બંને ગામો વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો

જીલ્લાના ઠાસરા તાલુકામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બની હતી જ્યાં બે ગામોને જાેડતો એક બ્રિજ અચાનક ધરાશાયી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બે ગામો વચ્ચેનો વાહનવ્યવહાર અને સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે.

ઠાસરા તાલુકાના ચિતલાવથી સરદારપુરા ગામને જાેડતો મુખ્ય બ્રિજ આજે રવિવારે સવારે આશરે ૧૦ વાગ્યાની આસપાસ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી. મહી કેનાલમાંથી વધારાના પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કાંસ પર આ બ્રિજ આવેલો હતો,જે અચાનક ઘડાકાભેર અવાજ સાથે તૂટી પડ્યો હતો.

અચાનક બ્રિજ ધરાશાયી થવાના કારણે ચિતલાવ અને સરદારપુરા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે, જેનાથી સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જાેકે, રાહતના સમાચાર એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે બ્રિજ પર કોઈ વાહન અવર-જવરમાં ન હતું, જેથી એક મોટી જાનહાનિ ટળી છે.

આ ઘટના મામલે પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજ નીચે આવેલા પિલ્લરની આજુબાજુ મોટા પાયે પાણીના કારણે ધોવાણ થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ ધોવાણના કારણે પિલ્લર નબળા પડ્યા અને બ્રિજ પોતાના વજનની સમતુલા ન જાળવી શકતા આ દુર્ઘટના ઘટી.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસાની સિઝન અને રોજિંદા આવાગમન માટે આ બ્રિજ ખૂબ જ મહત્વનો હતો. હવે જ્યારે આ બ્રિજ તૂટી ગયો છે, ત્યારે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક અસરથી વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. સાથે જ, ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે વહેલી તકે મજબૂત અને નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.