જામનગર શહેરમાં એક માસ પહેલા જ ફાયર એસઓસી ન મેળવનાર હોટલ-રેસ્ટોરન્ટોને અપાયેલી નોટિસોમાં ચાચા-ભતીજા રેસ્ટોરન્ટમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભુકી ઉઠતા દોડધામ મચી ગઈ છે. ભોજનના સમયે જ લાગેલી આગથી લોકો જમવાનું અધવચ્ચે છોડીને જીવ બચાવવા બહાર દોટ મુકી હતી. રેસ્ટોરન્ટના સંચાલકોએ ત્વરિત 15 ગેસના ભરેલા બાટલાઓ બહાર કાઢી લેતાં મોટી દુર્ઘટના ટળી હતી. ફાયરના જવાનોએ બે ગાડી પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી હતી.
શહેરના ભાગોળે ખંભાળિયા બાયપાસ, ચાર રસ્તા પાસે આવેલી ચાચા-ભતીજા રેસ્ટોરન્ટમાં સોમવારે બપોરના દોઢેક વાગ્યાના સમયે ગ્રાહકો જમતા હતાં ત્યારે અચાનક જ્યારે રેસ્ટોરન્ટના કીચન વિભાગમાં આગ ભભકુતા દોડધામ મચી ગઈ હતી અને ગ્રાહકોએ જમતા-જમતા જીવ બચાવવા માટે બહાર દોટ મુકી હતી. અચાનક ભભુકેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ લાગતા જ રેસ્ટોરન્ટના કારીગરોએ તાત્કાલિક સાવચેતી વાપરી રસોડામાં રહેલા 15 જેટલા ભરેલા ગેસના સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર ફેંકી દીધા હતા. જો આ બાટલાઓ આગની લપેટમાં આવ્યા હોત, તો પ્રચંડ બ્લાસ્ટ સાથે મોટી જાનહાનિ થઈ શકી હોત. ઘટનાની જાણ થતા જ જામનગર મહાનગરપાલિકાના ફાયર ફાઇટરો બે ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી.

