ચીખલીમાં રિવફ્રન્ટ પાસે જ કાવેરી નદીમાં કચરાથી પાણી પ્રદુષિત થવા ઉપરાંત ગંદકી સાથે અસહ્ય દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કાવેરી નદીના તટે શિવજીની વિશાળ પ્રતિમા સાથે પ્રાચીન મંદિરો પણ છે અને ખાસ કરીને સાંજના સમયે આ રિવરફ્રન્ટ પર હરવા ફરવા અનેક લોકો આવતા હોય છે.
ચીખલીના નદી મહોલ્લો કે જે કાવેરી નદીના તટે આવેલુ છે અને અહીં દેવાધિદેવ મહાદેવજીનું ત્રણ શિવલિંગો સાથેનું પેશ્વા સમયનું પ્રાચીન મંદિર છે. ઉપરાંત નદીમાં તડકેશ્વર મહાદેવજી તથા આજુબાજુમાં ગાયત્રી માતા, મહાકાળી માતા, જલારામ બાપાનું મંદિર પણ છે.
સાંસદ સી.આર.પાટીલ દ્વારા ઘણા વર્ષ પૂર્વે આદર્શ ગામ તરીકે ચીખલીનો સમાવેશ કર્યો હતો ત્યારે આ કાવેરી નદીના તટવર્તીય વિસ્તારનો રિવરફ્રન્ટ તરીકે વિકાસ કરી હરવા ફરવા, બેસવાની સુવિધા ઉભી કરવામાં આવી હતી. અહીં નદીમાં ચેકડેમ પણ હોય ખાસ કરીને રાત્રિનો નજારો વધુ નયનરમ્ય હોય છે.
અહીં 30 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે. આ સ્થિતિમાં કાવેરી નદીનો રિવરફ્રન્ટ સ્થાનિકોને વોકિંગ કરવા, હરવા ફરવાનું એક સ્થળ બની ગયું છે.ખાસ કરીને રાત્રિ દરમિયાન લોકોની મોટાપાયે અવર જવર રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી રિવરફ્રન્ટ પાસે કાવેરી નદીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક વગેરેનો કચરો એકત્ર થયો છે અને જેને પગલે નદીનું પાણી દૂષિત થતા જળચર જીવસૃષ્ટિની અસ્તિત્વ સામે પણ જોખમ ઉભું થયું છે.

