Gujarat

કરજણમાં રસોઈ વખતે ગરમ ચોખાથી દાઝી ગયેલા એક વર્ષના બાળકનું લાંબી સારવાર બાદ મોત

વડોદરા જિલ્લાના કરજણમાં એક ચોંકાવનારો અને માતા-પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. રસોઈ બનાવતી વખતે ગરમ ચોખાના તપેલાનું ઢાંકણું ખોલવા જતાં એક વર્ષના બાળકના બંને હાથ પર ગરમ ચોખા પડતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો.

તેને સારવાર માટે કરજણ અને બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું, આ મામલે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રમતા સમયે ગરમ તપેલાના ચોખા બાળકના હાથ પર પડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર, કરજણમાં રહેતા દિલીપ દેવીપુજકના પત્ની 14 જૂને ઘરે રસોઈ તૈયાર કરી રહ્યાં હતાં. તેમનો એક વર્ષનો પુત્ર ધનરાજ બાજુમાં જ રમી રહ્યો હતો. રમતાં-રમતાં બાળક ગરમ ચોખાના તપેલા પાસે પહોંચી ગયો અને ઢાંકણું ખોલવાનો પ્રયાસ કરતાં ગરમ ચોખા તેના બંને હાથ પર પડી ગયા, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો.

સારવાર સમયે બાળકે જીવ ગૂમાવ્યો પરિવારે તાત્કાલિક ધનરાજને પ્રથમ કરજણની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો. જોકે, ત્યાં તે જીવન-મરણની લડાઈ હારી ગયો હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.