નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹7,64,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વાય.જી. ગઢવી, પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પી.આઈ. જાડેજાને ખાનગી બાતમીદાર દ્વારા બોલેરો પિકઅપ ટેમ્પોમાં દારૂનો જથ્થો સપ્લાય થતો હોવાની માહિતી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઢોલુમ્બર ગામની સીમમાં, પુનીયાબારી ફળીયા ખાનપુરથી તોરણવેરા જતા જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, શંકાસ્પદ મહિન્દ્રા બોલેરો પિકઅપ ટેમ્પો (રજી. નં. GJ-15-AV-8176) ને રોકી તલાશી લેવામાં આવી હતી. તલાશી લેતા તેમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 29 વર્ષીય ચાલક આશીષ પ્રભુભાઇ રાવત (રહે. પાણીખડક ગામ, તા. ખેરગામ, જિ. નવસારી) ની અટકાયત કરી હતી. તેની પાસેથી 960 નંગ દારૂ-બિયરનો જથ્થો (કિંમત ₹2,54,400), મહિન્દ્રા બોલેરો પિકઅપ BS4 ટેમ્પો (કિંમત ₹5,00,000) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹10,000) સહિત કુલ ₹7,64,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

