લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે ચર્ચા કરાઈ
રાજ્યના પાટનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને હરિયાણા બંને રાજ્યોની ઓળખ સમૃદ્ધ સંસ્કૃતિ અને મજબૂત લોકતાંત્રિક પરંપરાઓથી છે. હરિયાણાની ધરતી જ્યાં વીરતા અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટતા માટે જાણીતી છે, ત્યાં ગુજરાત પોતાની ઉદ્યમીતા, વ્યાપારિક દ્રષ્ટિ અને સાંસ્કૃતિક વિવિધતા માટે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ છે. બંને રાજ્યોએ ભારતની લોકતાંત્રિક યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
અરજી સમિતિની ભૂમિકા અંગે ભાર મૂકતા તેમણે જણાવાયું હતું કે, આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. બંને રાજ્યોની આ સમિતિઓ નિયમોની સમજ, કાર્યપ્રણાલીની પારદર્શિતા અને પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સમાન પ્રતિબદ્ધતા ધરાવે છે.
હરિયાણા અરજી સમિતિના અધ્યક્ષ શ્રી વિનોદ ભયાનાએ જણાવ્યું હતું કે, આંતરરાજ્ય મુલાકાતોનો મુખ્ય હેતુ બંને સમિતિઓની કામગીરી અને વિચારોના આદાન-પ્રદાન દ્વારા સંસદીય પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવાનો છે. આ પ્રક્રિયાથી બંને રાજ્યો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે અને સમિતિ સમક્ષ આવતી જનતાની ફરિયાદો તેમજ પ્રશ્નોનું વધુ સચોટ, સકારાત્મક અને યોગ્ય નિવારણ લાવી શકાશે, જેથી પ્રજાલક્ષી કાર્યોને વધુ વેગ મળશે.
હરિયાણાની વીરતા અને રમતગમત ક્ષેત્રની વિશેષતા તેમજ ગુજરાતની વ્યાપારિક કુશળતાનો સમન્વય કરી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ની ભાવના હેઠળ પરસ્પર સંબંધો વધુ મજબૂત કરવા પર આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં હરિયાણા અરજી સમિતિના સભ્ય શ્રી શકુંતલા ખટક, સભ્ય શ્રી લક્ષ્મણ સિંહ યાદવ અને સભ્ય શ્રી ચંદ્ર પ્રકાશ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, શ્રી કાળુભાઈ ડાભી, વિધાનસભા સચિવાલયના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબેન મહેતા, ઉપસચિવશ્રી ચિરાગ પટેલ તથા અરજી સમિતિના સમિતિ સચિવ અને ઉપસચિવ શ્રી પાર્થ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

