Gujarat

માલિયાસણનો શખસ 30, 810ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર SOGની ટીમે સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી માલિયાસણના એક શખ્સને 10.27 ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે બીજી તરફ એ-ડિવિઝન પોલીસે રામનાથપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે.

સોખડા ચોકડીથી બેડી ચોકડી પરથી 10.27 ગ્રામ MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો રાજકોટ શહેર SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માલિયાસણના પૂજા પાર્ક સ્થિત વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતો વિવેક ઉર્ફે બારોટ દિનેશભાઈ સોનરાત કાળા કલરના એક્ટિવા પર એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લઈને સોખડા ચોકડીથી બેડી ચોકડી તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો.

આરોપી વિવેક સોનરાતની અંગજડતી લેતા તેની પાસેથી ₹30,810ની કિંમતનું 10.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ ઉપરાંત ₹5,000નો મોબાઈલ ફોન અને ₹7,000નું એક્ટિવા મળી કુલ ₹65,810નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ પૂછપરછમાં આ ડ્રગ્સ પ્રકરણમાં મોરબીના ત્રાજપર ચોકડી પાસે સિરામિક સિટીમાં રહેતા અને મૂળ કોટડાસાંગાણીના અનિડાવાછડા ગામના નરેન્દ્ર પાચાભાઈ રામોલીયાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

રામનાથપરામાં વોશિંગ મશીન પરના કપડાંમાંથી ગાંજો મળ્યો બીજા બનાવમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની કોઠારીયા નાકા પોલીસ ચોકીના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રામનાથપરા શેરી નં. 14, ઉપલા ચોક પાસે રહેતી નજમાબેન ઉર્ફે નજુ રફીકભાઈ મોગલ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે.