રાજકોટ મનપા દ્વારા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા ડ્રોનથી દવા છાંટવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે આ માટે કરવામાં આવેલો લાખોનો ખર્ચ પાણીમાં ગયો હોય તેમ શહેરમાં હજુ મચ્છરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.
મચ્છરો બેકાબૂ બનતા સપ્તાહમાં ડેંગ્યુના વધુ 5 સહિત વિવિધ રોગના 1844 કેસ માત્ર છેલ્લા એક જ સપ્તાહમાં નોંધાયા છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડાઓ ઉપરાંત ખાનગી દવાખાનાઓમાં પણ અનેક સ્થળોએ દર્દીઓની લાંબી લાઇનો જોવા મળી રહી છે.
શરદી-તાવ સાથે ટાઇફોઇડની એન્ટ્રી પ્રાપ્ત વિગત મુજબ આરોગ્ય શાખાના સાપ્તાહિક રિપોર્ટ મુજબ તા. 16-11થી 22-11 દરમિયાન ડેંગ્યુના 5 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ઘણા દિવસો બાદ દર્દીને ઊંધા પાડી દેતો ટાઇફોઇડ તાવનો પણ એક સત્તાવાર કેસ નોંધાયો છે.
અન્ય રોગચાળાની વિગતો જોઈએ તો સપ્તાહ દરમિયાન શરદી-ઉધરસના સૌથી વધુ 874, સામાન્ય તાવના 760 અને ઝાડા-ઊલટીના 204 કેસ નોંધાયા છે. વધતા આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અને ઋતુજન્ય બીમારીઓનું જોર વધી રહ્યું છે.
મનપાની દ્વારા મચ્છરોની ઉત્પત્તિ બદલ 362ને નોટિસ રોગચાળાને નિયંત્રિત કરવા મનપાનું આરોગ્ય તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. જેમાં પોરાનાશક કામગીરી હેઠળ 1,06,695 ઘરોમાં તપાસ કરાઈ હતી, જ્યારે ફિલ્ડવર્કરો દ્વારા 1,009 ઘરોમાં ફોગિંગ કરાયું હતું.
મચ્છરની ઘનતા વધુ હોય તેવી સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર રસ્તાઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં ફોગિંગ ચાલી રહ્યું છે. સાથે જ, મચ્છર ઉત્પત્તિ બદલ બાયલોઝ અંતર્ગત 401 મિલકતોમાં તપાસ કરી રહેણાંકના 289 અને કોમર્શિયલ 73 મળી કુલ 362 આસામીઓને નોટિસ ફટકારી વહીવટી ચાર્જ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

