આર્થિક ખેંચતાણ અને દર વર્ષે વધતા જતા મહેસુલી ખર્ચનાં કારણે મનપાની તિજોરી તળિયાઝાટક થઈ છે. જેને લઈને મહાનગરપાલિકાએ ફરી જમીન વેચાણનું હથિયાર ઉગામ્યું છે. મનપાએ શહેરના અલગ-અલગ પ્રાઇમ વિસ્તારોનાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના 6 કિંમતી પ્લોટની ઈ-હરાજી કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
આ તમામ પ્લોટની કુલ અપસેટ કિંમત અંદાજે 232.63 કરોડ નક્કી કરવામાં આવી છે, જેના થકી કોર્પોરેશનને 232 કરોડ કે તેથી વધુની આવક થવાનો અંદાજ છે. આગામી તા. 21 અને 22 ડિસેમ્બરનાં રોજ આ પ્લોટની ઈ-હરાજી કરવામાં આવનાર છે.
બજેટના અંદાજો સાચા પાડવા મનપાની મથામણ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકામાં વર્ષોથી પગાર સહિતના મહેસુલી ખર્ચાઓ સતત વધી રહ્યા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક વર્ષોથી મનપા કોમર્શિયલ કે રહેણાંક હેતુની જમીનનું ધાર્યું વેચાણ ન કરી શકતા દર વર્ષે બજેટમાં મુકાતા આવકના અંદાજો ઉંધા પડી રહ્યા છે.
વર્ષ 2007માં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ છેલ્લા 19 વર્ષથી મહાનગરો માટે સરકારી ગ્રાન્ટ જ મુખ્ય આધાર બની રહી છે, ત્યારે ટીપી પ્લાન ફી, FSI અને મિલકત વેરાની આવક પર વહીવટી ગાડું ચાલી રહ્યું છે. તાજેતરમાં જનરલ બોર્ડમાં પણ પ્લોટ વેચાણની આવક અંગે પ્રશ્ન પૂછાયા બાદ હવે મનપાએ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને 6 પ્લોટની ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરી છે.
કયા વિસ્તારમાં કયો પ્લોટ અને ક્યારે થશે હરાજી?
- રૈયા રોડ (કોમર્શિયલ): રૈયા મેઈન રોડ પર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે (ફાઈનલ ટી.પી. સ્કીમ નં.4, ફાઈનલ પ્લોટ નં.769) આવેલા 3,221 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ પ્રતિ ચો.મી. 1.30 લાખ અને કુલ અપસેટ કિંમત અંદાજે 41.87 કરોડ રખાઈ છે; હરાજી 21 ડિસેમ્બરે સવારે 11થી 12 વાગ્યે થશે.
- મવડી પ્લોટ (કોમર્શિયલ): 150 ફૂટ રિંગ રોડ-2 પર ફિલ્ડ માર્શલ રોડ નજીક મહાત્મા ગાંધી ટાઉનશીપ પાછળ (ટી.પી. સ્કીમ નં.28, પ્લોટ નં.37/એ) આવેલા 5,305 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ 1.20 લાખ પ્રતિ ચો.મી. અને કુલ કિંમત 63.66 કરોડ રખાઈ છે; હરાજી 21 ડિસેમ્બરે બપોરે 1થી 2 વાગ્યે થશે.
- એચ.સી.જી. રોડ (કોમર્શિયલ): 150 ફૂટ રિંગ રોડ નજીક કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે (ટી.પી. સ્કીમ નં.9, પ્લોટ નં.સી/9) આવેલા 3,713 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ 90 હજાર પ્રતિ ચો.મી. અને કુલ કિંમત 33.42 કરોડ રખાઈ છે; હરાજી 21 ડિસેમ્બરે બપોરે 3થી 4 વાગ્યે થશે.
- મોરબી રોડ (કોમર્શિયલ): પંચવટી સોસાયટી નજીક એચ.પી. પેટ્રોલ પંપ સામે (ટી.પી. સ્કીમ નં.12, પ્લોટ નં.92) આવેલા 1,648 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ 1.25 લાખ પ્રતિ ચો.મી. અને કુલ કિંમત 20.60 કરોડ રખાઈ છે; હરાજી 22 ડિસેમ્બરે સવારે 11થી 12 વાગ્યે થશે.
- મોરબી રોડ (રેસિડેન્શિયલ): પૂનમ હોલની સામે (ફાઈનલ પ્લોટ નં.91) આવેલા 1,588 ચો.મી. પ્લોટનો અપસેટ ભાવ 1.25 લાખ પ્રતિ ચો.મી. અને કુલ કિંમત 19.85 કરોડ રખાઈ છે; હરાજી 22 ડિસેમ્બરે બપોરે 1થી 2 વાગ્યે થશે.
- સાધુ વાસવાણી કુંજ રોડ (રેસિડેન્શિયલ): રેલનગર વિસ્તારમાં ભક્તિ પાર્ક સોસાયટી સામે (ટી.પી. સ્કીમ નં.19, પ્લોટ નં.16/એ) આવેલા 14,507 ચો.મી.ના વિશાળ પ્લોટનો અપસેટ ભાવ 45 હજાર પ્રતિ ચો.મી. અને કુલ કિંમત 65.28 કરોડ રખાઈ છે; હરાજી 22 ડિસેમ્બરે બપોરે 3થી 4 વાગ્યે થશે.

