માતાના અમાનવીય વર્તન અને શારીરિક શોષણથી કંટાળીને એક 15 વર્ષીય સગીરે પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સગીરે તેની છૂટાછેડા લીધેલી માતા સામે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ રક્ષણ આપવા અને માતા વિરુદ્ધ FIR નોંધવા દાદ માગી છે. આ સાથે જ તેણે સ્પષ્ટ વિનંતી કરી છે કે, તેને મોરબીમાં રહેતા તેના દાદા-દાદી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે, કારણ કે તે ત્યાં પોતાને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે.
અરજીમાં રજૂ થયેલી વિગતો અનુસાર, સગીરના માતા-પિતાના 2020માં છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તેની કસ્ટડી સરખેજ વિસ્તારમાં રહેતી માતા પાસે હતી. સગીરના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે અને પિતૃપક્ષ મોરબીમાં વસે છે.
સગીરે ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેની માતા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથે હિંસક અને અપમાનજનક વર્તન કરતી હતી. તેની પાસે ઘરકામ કરાવવામાં આવતું હતું. જ્યારે પણ તે ઘરમાં એકલો હોય ત્યારે તેનો ઉપયોગ રોકવા માટે માતા વીજ પુરવઠો બંધ કરી દેતી હતી.
આટલું જ નહીં, એક પ્રસંગે માતાએ તેના પર છરી વડે કથિત હુમલો પણ કર્યો હતો, જેના પગલે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી માતા સામે ગુનો નોંધવા માગ કરી હતી.

