ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા ખેડૂતે અગાઉ કરેલી પોલીસ ફરિયાદની અદાવતમાં શખ્સોએ ખેડૂત ઉપર પાઇપ વડે હુમલો કરી હાથ-પગના ભાગે લોહીયાણ ઈજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ખેડૂતે ઉમરાળા પોલીસ મથકમાં પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગરના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે રહેતા અને ખેતીકામ કરતા અશોકભાઈ લખુભાઈ ડાંગર એ ઉમરાળા પોલીસ મથકમાં જગદીશ મયાભાઈ ડાંગર (રહે.રંઘોળા,તા.ઉમરાળા), લાલા માસાભાઈ હૂંબલ (રહે.નેસડા, તા.સિહોર), અને ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજે પોતાની વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જગદિશે તેમને રસ્તામાં રોકી તું કેમ અગાઉ અમારા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરેલી હતી. તેમ કહી તેમને અપશબ્દો બોલતો હોવાથી તેઓ તેમની બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે જગદીશે તું જા આગળ તારા બાપ ઉભો જ છે. તને આજ મારાવાનો જ છે. તેમ કહી તેઓ બાઈક લઈ જતા હતા
આ દરમિયાન જગદીશે તેમનો પીછો કરી રંઘોળા ડેમ સિંચાઈ વિભાગની ઓફિસ નજીક એક કારમાં લાલા હુંબલ અને ત્રણ અજાણ્યા શખ્સો આવી તેમણે પાઇપ વડે તેમની પર હુમલો કરી તેમને હાથના અને પગના ભાગે લોહીયાણ ઈજાઓ પહોંચાડી હતી. બાદ શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
પરિવારજનોને જાણ થતાં તેમને પ્રથમ સિહોર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે પોલીસે પાંચ શખ્સ સામે BNS એક્ટ 118(1), 117(2), 118(2), 61, 54, 352, 351(3) તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

