અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી અને પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે કસ્ટમ્સ વિભાગે વધુ એક મોટું દાણચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આજે દુબઈથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા ભરૂચના એક મુસાફર પાસેથી અંદાજે ₹89 લાખની કિંમતના 24 કેરેટ શુદ્ધ સોનાના બાર મળી આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગે આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી મુસાફરની ધરપકડ કરી છે અને આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે AIU ટીમે મુસાફરને અટકાવ્યો કસ્ટમ્સ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ કસ્ટમ્સના ‘એર ઇન્ટેલિજન્સ યુનિટ’ (AIU) ના અધિકારીઓને પેસેન્જર પ્રોફાઇલિંગ મારફતે ગુપ્ત બાતમી મળી હતી. આ માહિતીના આધારે, દુબઈથી આવેલી ‘ફ્લાયદુબઈ’ (FlyDubai) ની ફ્લાઇટ નંબર FZ-437 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક શંકાસ્પદ પુરુષ મુસાફરને ચેકિંગ પોઇન્ટ પર અટકાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ટ્રાઉઝરના ખિસ્સામાંથી ૨૪ કેરેટ સોનાના પાંચ બાર મળ્યા મુસાફરની અંગજડતી લેતાં તેના પેન્ટ (ટ્રાઉઝર) ના ખિસ્સામાંથી અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલા વિદેશી બનાવટના પાંચ ટીટી (TT) ગોલ્ડ બાર મળી આવ્યા હતા. આ તમામ બાર 999.0 શુદ્ધતા ધરાવતા એટલે કે 24 કેરેટના હતા. કસ્ટમ્સ દ્વારા વજન કરાવતાં તેનું કુલ વજન 582.700 ગ્રામ નીકળ્યું હતું, જેનું બજાર મૂલ્ય ₹88,97,829 (અંદાજે ₹89 લાખ) આંકવામાં આવ્યું છે. આ સોના-ચાંદીના જથ્થા અંગે મુસાફર પાસે કોઈ બિલ કે માન્ય દસ્તાવેજ નહોતા અને તેણે કસ્ટમ્સ ડિક્લેરેશનમાં પણ આ અંગે કોઈ જાહેરાત કરી નહોતી.

