Gujarat

માળીયા-હળવદ હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

હળવદ-માળીયા હાઇવે પરથી પોલીસે દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. ભૂસાની થેલીઓની આડમાં છુપાવેલો 6,672 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 40.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

માળીયા તાલુકા પોલીસની ટીમે હળવદ-માળીયા હાઇવે પર નવકાર કારખાનાની કટ પાસેથી RJ 36 GA 9858 નંબરના ટ્રકને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં ભૂસાની થેલીઓ પાછળ છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 21,07,200 રૂપિયાની કિંમતની 6,672 નાની-મોટી દારૂની બોટલો, મોબાઈલ ફોન, રોકડ રકમ અને ટ્રક સહિત કુલ 40,16,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ કેસમાં પોલીસે ટ્રક ડ્રાઇવર દરિયાવસિંહ લખાસિંહ રાવત (ઉં.વ. 46, રહે. બીલીયા વાસ, તા. બાર શેખાવાસ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર, દારૂ મોકલાવનાર જયપુરના રાહુલ, ટ્રક માલિક અને દારૂ મંગાવનાર સામે ગુનો નોંધીને અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી અને ટંકારામાં પણ પોલીસે દારૂ અંગેની બે અલગ-અલગ રેડ કરી હતી, જેમાં કુલ 52 બોટલ દારૂ ઝડપાયો હતો.

મોરબીના જેલ રોડ પર આવેલા વણકર વાસમાં પોલીસે દરોડો પાડી 875 રૂપિયાની કિંમતની દારૂની સાત નાની બોટલો સાથે પ્રવીણ પરમાર (ઉં.વ. 44, રહે. મોરબી)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂ કિરીટભાઈ (રહે. મોરબી) પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી બંને સામે ગુનો નોંધી કાર્યવાહી ચાલી રહી છે.