Gujarat

અભયમ ટીમે રસ્તે ભટકતી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી પીડિત એક મહિલાને ‘181 અભયમ હેલ્પલાઇન’ દ્વારા મદદ પૂરી પાડી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. જામનગર અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને મહિલાને સુરક્ષિત આશ્રય અને નવું જીવન આપ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ પરિણીત મહિલાને તેનો પતિ નશાની હાલતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિના અસહ્ય મારકૂટથી કંટાળીને મહિલા ઘર છોડવા મજબૂર બની હતી. આશ્રયવિહોણી બનેલી આ મહિલા ત્રણ દિવસ સુધી રસ્તાઓ પર ભટકતી રહી અને એક આશ્રમમાં પણ રોકાઈ હતી.

આશ્રમમાંથી બહાર આવ્યા બાદ પણ મહિલા રસ્તા પર ભટકતી હતી. એક જાગૃત નાગરિકે તેની અસહાય સ્થિતિ જોઈને તાત્કાલિક ‘181 મહિલા હેલ્પલાઇન’નો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. માહિતી મળતા જ જામનગર 181 અભયમ ટીમના મહિલા કાઉન્સિલર મનિષા વઢવાણા, પોલીસ કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા અને પાયલોટ રામજી શિયાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે પીડિત મહિલાને સાંત્વના આપી, તેનો આત્મવિશ્વાસ પુનઃ જગાડ્યો અને જરૂરી કાઉન્સેલિંગ કર્યું.

અભયમ ટીમે મહિલાના પતિનો સંપર્ક કરીને વાતચીત કરી, પરંતુ મહિલા તેના પતિના વર્તનને કારણે તેની સાથે જવા તૈયાર ન હતી. મહિલાની સુરક્ષા અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, અભયમ ટીમે તાત્કાલિક તેના માતા-પિતાનો સંપર્ક કર્યો. કાયદાકીય અને સામાજિક સુરક્ષાના માપદંડો સાથે મહિલાને સહી-સલામત રીતે તેના પિયર મોકલી આપવામાં આવી છે. મુશ્કેલ સમયમાં મળેલી આ ત્વરિત મદદ બદલ પીડિત મહિલા અને તેના પરિવારે 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.