જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા શોભીત ગર્ગ સામે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી રૂ. 1.36 કરોડની રકમ પોતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવાના આક્ષેપો સાથે ગુનો નોંધાયો હતો. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી શોભીત ગર્ગની અટકાયત કરી છે.

પોલીસ દ્વારા હાલ બેંકિંગ વ્યવહારો, ચેક ટ્રાન્ઝેક્શન અને અન્ય નાણાકીય દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા મહિલા પીએસઆઇ એમ.એમ. મહેતા દ્વારા આરોપીને સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.

