પાલજની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશભાઈ કે. પટેલની અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગાંધીનગર મહાનગરપાલિકા અને શહેર વિસ્તારના HTAT આચાર્ય સંવર્ગના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ માટે ગાંધીનગરના સેક્ટર-22માં આવેલી સફલ વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તેમાં સંગઠનના પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારો સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક સંવર્ગ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ, HTAT સંવર્ગના અધ્યક્ષ પ્રવિણસિંહ વાઘેલા, રાષ્ટ્રીય અતિરિક્ત મહામંત્રી મોહનજી પુરોહિત અને ગાંધીનગર શહેર પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ હસમુખભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.

તેમની હાજરીમાં હિતેશભાઈ કે. પટેલને HTAT આચાર્ય સંવર્ગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. આચાર્ય સંવર્ગના પ્રશ્નો, શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તા અને સંગઠનને મજબૂત કરવા તેઓ કામ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વરણી બદલ HTAT આચાર્ય સંવર્ગના સાથી આચાર્યો, પાલજના ગ્રામજનો, સરકારી પ્રાથમિક શાળા પાલજના શિક્ષકો અને શુભેચ્છકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સંગઠનના વિકાસ, આચાર્ય સંવર્ગના હિત અને શિક્ષણની ગુણવત્તા માટે કામ કરવા તેમને શુભેચ્છા આપવામાં આવી હતી.

