Gujarat

જામનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન, આગેવાનોની અટકાયત

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સવારે ટાઉનહોલ સર્કલ નજીક પેપર લીક કૌભાંડ અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ ટાઉનહોલ સર્કલ સુધી પહોંચ્યું હતું. કાર્યકરોએ “લાઠી નહીં, સંવાદ જોઈએ” અને પેપર લીક વિરોધી બેનરો પ્રદર્શિત કર્યા હતા. પ્રદર્શનને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું.

આ પ્રદર્શનમાં જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. વિરોધ ઉગ્ર બનતા પોલીસે વિક્રમ માડમ, દિગુભા જાડેજા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામને પોલીસ મથક અને ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓ લાખો યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકે છે. તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે બળપ્રયોગ કરવાને લોકશાહી માટે ચિંતાજનક ગણાવ્યું હતું. કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસે પેપર લીક કૌભાંડમાં જવાબદારી નક્કી કરી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારવાની અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.