સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના નવનિયુક્ત એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એ.વી.એસ.એમ., વી.એમ., એર માર્શલ શ્રી પી.વી. શિવાનંદે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમની સાથે એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન – રીજનલના અધ્યક્ષા શ્રીમતી ફાની શિવાનંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ એર માર્શલશ્રીને આ મહત્વપૂર્ણ પદભાર સંભાળવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
બેઠક દરમિયાન એર માર્શલ પી.વી. શિવાનંદની ત્રણ દાયકાથી વધુની લશ્કરી અને વહિવટી સેવાઓ અંગે ચર્ચા થઈ હતી. તેમની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓ બદલ ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા તેમને વર્ષ ૨૦૧૪માં વાયુ સેના મેડલ અને વર્ષ ૨૦૨૫માં અતિ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુલાકાત દરમિયાન એ.એફ.એફ.ડબ્લ્યુ.એ.ના નવનિયુક્ત અધ્યક્ષા શ્રીમતી ફાની શિવાનંદ દ્વારા વાયુસેના પરિવારના સભ્યો અને મહિલાઓના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી રાજ્યપાલશ્રીને અવગત કરાવવામાં આવ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એર માર્શલ શ્રી પી.વી. શિવાનંદ અને શ્રીમતી ફાની શિવાનંદની કામગીરીને બિરદાવી હતી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ હેઠળના વિસ્તારમાં વાયુસેનાની કામગીરી વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

