ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યૂનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે 11 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે( UFBU) બે વર્ષથી પડતર 5-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાળનું એલાન કર્યું છે.
ત્યારે દેશવ્યાપી હડતાળમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના 2000થી વધું બેંક કર્મચારીઓ પણ જોડાયા છે. જેથી આ બન્ને જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહ્યું છે. જેનાથી સામાન્ય નાગરિકો, વેપારીઓ અને ઉદ્યોગકારોને મુશ્કેલી પડી રહી છે.
જામનગરના રણજીતનગર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખા બહાર મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ એકઠા થયા હતા. તેમણે હાથમાં બેનરો ધારણ કરી પોતાની પડતર માગણીઓ અંગે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
હડતાલને કારણે બેંકોમાં રોકડ ઉપાડ, જમા અને ખાસ કરીને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. બંને જિલ્લામાં મળીને આશરે 2000 કરોડ રૂપિયાથી વધુ રકમનું ક્લિયરિંગ અટકી ગયું છે. આની સીધી અસર જામનગરના બ્રાસ ઉદ્યોગ અને સ્થાનિક વેપાર જગત પર જોવા મળી છે.

