Gujarat

જામનગરના બાલાચડી દરિયાકાંઠે માનવ મહેરામણ ઉમટ્યું

જામનગર જિલ્લાના બાલાચડી દરિયાકાંઠે અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. લોકો દરિયામાં સ્નાન કરવા અને પિતૃ તર્પણ કરવા માટે દૂર દૂરથી અહીં પહોંચ્યા હતા.બાલાચડી દરિયા કિનારે અમાસના દિવસે પિતૃ તર્પણ (પિતૃ કાર્ય) અને માવા અર્પણ કરવાની પરંપરાનું ખૂબ મહત્વ છે.

એવી લોકવાયકા છે કે સમુદ્ર કિનારે પિતૃઓ નિમિત્તે કરવામાં આવતી પૂજા અને શ્રાદ્ધ વિધિથી પિતૃઓ તૃપ્ત થાય છે.આ ધાર્મિક અવસરે, બાલાચડી નજીક આવેલા ખીરી હનુમાનજી મંદિરે લીંબુડા ગામના સેવાભાવી યુવાનો દ્વારા ભક્તો માટે જમણવાર (મહાપ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા ઘણા વર્ષોથી ચાલી રહી છે.

દૂર-દૂરથી આવતા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરીને લીંબુડા ગામના યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના આયોજનોથી સમગ્ર બાલાચડી પંથકમાં ભક્તિમય અને સેવાનું વાતાવરણ જોવા મળ્યું હતું. લીંબુડા ગામના તમામ યુવાનો આ સેવા કાર્યમાં જોડાયા હતા.