બાંટવા નગરપાલિકાએ સેનિટેશન વિભાગના ૧૧ સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂકના ઓર્ડર આપ્યા છે. આ કર્મચારીઓએ પાંચ વર્ષ ફિક્સ પગારે કામ કર્યું હતું.
નગરપાલિકાની સેનિટેશન શાખામાં નિયમ મુજબ ભરતી પ્રક્રિયા બાદ આ કર્મચારીઓને પાંચ વર્ષ માટે ફિક્સ પગારે ફરજ સોંપવામાં આવી હતી. તેમણે નગર સેવા સદનમાં પાંચ વર્ષની સેવા પૂરી કરતાં નિયમ મુજબ ફુલ પગાર સાથે સેટઅપમાં કાયમી નિમણૂક આપવામાં આવી.

નિમણૂકના ઓર્ડર મળ્યા બાદ કર્મચારીઓએ નગરપાલિકાના પ્રમુખ સુનિલભાઈ જેઠવાણીને પાઘડી પહેરાવી સન્માન કર્યું. તેમણે પાલિકા પરિવારનો આભાર માન્યો.કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુનીલકુમાર પી. જેઠવાણી, ચીફ ઓફિસર બી.પી. બોરખતરીયા, ઉપપ્રમુખ રામાભાઈ એસ. ગરચર, કારોબારી ચેરમેન કનુભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ મયુરસિંહ ડોડીયા અને જિલ્લા ભાજપ મહામંત્રી જીવાભાઈ કોડીયાતર હાજર રહ્યા હતા.
નગરપાલિકાના તમામ વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારીઓએ કાયમી થયેલા કર્મચારીઓને અભિનંદન આપ્યા.

