રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરી વૃદ્ધ દાદીના પૌત્રે જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી અને ચોરીનું સોનું ખરીદનાર સોની વેપારી સહિત બે લોકોની ધરપકડ કરી કુલ ₹1,93,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લીપ્ત રાય, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર અને ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.આર. ડામોર અને તેમની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ શરૂ કરી હતી.
ફરિયાદીના વૃદ્ધ માતા રાત્રે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા. 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે દસ વાગ્યાથી 18 સપ્ટેમ્બર 2026ની સવારે સાડા છ વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા વ્યક્તિએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં રાખેલા ₹1,50,000/- રોકડા અને ₹40,000/- ની કિંમતની સોનાની બે બુટ્ટીઓ મળી કુલ ₹1,90,000/- ની ચોરી થઈ હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

