Gujarat

ધ્રોલમાં રાજપૂત સમાજની બાઇક-કાર રેલી, દરબારગઢમાં શસ્ત્રપૂજન કરાયું, ઠાકોર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ

ધ્રોલમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા પરંપરા અને ક્ષત્રિય સંસ્કૃતિને અનુરૂપ શસ્ત્રપૂજન તથા બાઇક-કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત યુવા શક્તિ ગ્રુપ, હરધ્રોલ રાજપૂત સમાજ અને સંલગ્ન સંસ્થાઓના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્રોલ શહેર સહિત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના લોકો પરંપરાગત પોષાકમાં જોડાતાં સમગ્ર કાર્યક્રમમાં પરંપરાગત માહોલ જોવા મળ્યો હતો. ધ્રોલના દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતેથી રેલીનો પ્રારંભ થયો હતો. ત્યાંથી રેલી હાઇવે રોડ, ગાંધી ચોક થઈ દરબારગઢ સુધી પહોંચી હતી. રેલીમાં ઘોડેસવારો સાથે મોટી સંખ્યામાં બાઇક અને કાર જોડાયાં હતાં.

રાજપૂત સમાજના યુવાનો ઉત્સાહભેર રેલીમાં સહભાગી થયા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી રેલીમાં ક્ષત્રિય સમાજની પરંપરા અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ગાંધી ચોક તેમજ દરબારગઢ ખાતે ધ્રોલના ઠાકોર સાહેબ ચંદ્રસિંહજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દરબારગઢ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનની પરંપરાને જાળવી રાખતાં સમાજના લોકોએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.