જામનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે પણ ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા માટે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. (TRB) જવાનો સતત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. આવા કપરા વાતાવરણમાં રોડ પર ઊભા રહીને કામ કરતા આ જવાનોના સ્વાસ્થ્ય અને ઉત્સાહને જાળવી રાખવા માટે જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા એક સરાહનીય અને માનવતાવાદી પહેલ કરવામાં આવી છે.
જામનગર ટ્રાફિક પીઆઈ એસ.વી. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના તમામ મુખ્ય ટ્રાફિક પોઇન્ટ્સ પર તૈનાત ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. જવાનોને નિયમિત ધોરણે ઠંડી અને તાજી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ સેવાકીય કાર્યથી ધોમધખતા તડકામાં ફરજ બજાવતા જવાનોને ગરમીથી મોટી રાહત મળી રહી છે. આ પહેલ દર્શાવે છે કે પોલીસ વિભાગ પોતાના કર્મચારીઓની સુખાકારી અને સ્વાસ્થ્ય પ્રત્યે કેટલો સંવેદનશીલ છે. ટ્રાફિક પોલીસની આ સુંદર અને સંવેદનશીલ કામગીરીને માત્ર ફરજ પરના જવાનો જ નહીં, પરંતુ શહેરના સામાન્ય નાગરિકો દ્વારા પણ સોશિયલ મીડિયા અને લોકમુખે ખૂબ જ આવકારવાની સાથે બિરદાવવામાં આવી રહી છે.

