નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચિકાલી ગામના બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં મધ્યપ્રદેશથી પ્રસિદ્ધ દેવમોગરા માતાજીના મંદિર દર્શનાર્થે આવી રહેલા યાત્રિકો સવાર હતા. જોકે, મુસાફરોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે ગાડીમાંથી અચાનક ધુમાડો નીકળતા જ ડ્રાઇવર અને યાત્રિકો સાવધ થઈ ગયા હતા. આગ વધુ વકરે તે પહેલાં જ તમામ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. મુસાફરો નીચે ઉતર્યાના થોડા જ સમયમાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આખી કાર જોતજોતામાં આગની લપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગના દ્રશ્યો જોઈને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આગ એટલી પ્રચંડ હતી કે વાહનને ભારે નુકસાન થયું છે અને ગાડી માત્ર લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મુસાફરોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી .

