સુરતના એક હાઈ પ્રોફાઈલ કિસ્સામાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. શહેરના પૉશ વિસ્તારમાં રહેતી અને વ્યવસાચે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) એવી પરિણીતા દ્વારા તેના પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ (ઘરેલું હિંસા) હેઠળ વચગાળાના ભરણપોષણની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, પત્ની પોતે આત્મનિર્ભર છે અને પોતાનું જીવનનિર્વાહ સારી રીતે ચલાવવા માટે સક્ષમ છે, તેથી આ તબક્કે ભરણપોષણ આપવાનો આદેશ કરવો બિલકુલ ન્યાયોચિત નથી.
પતિની આવક 60 હજાર, પત્નીની કમાણી 1.92 લાખ હોવાનો દાવો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન પતિ વતી એડવોકેટ સોનલ શર્માએ દલીલો રજૂ કરી હતી. પતિ પક્ષ તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, તેની પત્ની સીએ હોવાની સાથે અલગ-અલગ જગ્યાએ નોકરી અને કન્સલ્ટિંગનું કામ કરીને મહિને રૂપિયા 1.92 લાખ જેટલી માતબર રકમ કમાય છે. તેની સામે પતિની પોતાની માસિક આવક માત્ર 60 હજાર રૂપિયા જ છે.
કોર્ટે તમામ પાસાઓને ધ્યાને રાખી ચુકાદો આપ્યો કે પત્ની પોતે સક્ષમ હોવાથી વચગાળાના ભરણપોષણની કોઈ જરૂર નથી. નોંધનીય છે કે આ પહેલા પણ પત્નીની ભરણપોષણની અરજી નામંજૂર થઈ ચૂકી છે. ‘પતિ પાસે 15 કરોડની ઓફિસ અને 2.5 કરોડની કાર છે’ બીજી તરફ, પત્નીએ કોર્ટ સમક્ષ પતિની આર્થિક સક્ષમતાના મોટા દાવા કર્યા હતા. પત્નીની દલીલ હતી કે તેનો પતિ દર મહિને 30 લાખ રૂપિયા કમાય છે.
એટલું જ નહીં, બેંગલુરુમાં તેની 15 કરોડ રૂપિયાની ઓફિસ છે, કોલકાતામાં 80 લાખ રૂપિયાની જમીન છે અને તેની પાસે અઢી કરોડ રૂપિયાની કિંમતની 7 લક્ઝરી કારો છે. કેસની કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલી શકે તેમ હોવાથી, ન્યાયના હિતમાં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની કલમ-23 હેઠળ તાત્કાલિક એકતરફી વચગાળાનો આદેશ પસાર કરવા પત્નીએ માંગ કરી હતી.

