જૂનાગઢ જિલ્લામાં આવેલા ઐતિહાસિક અને નવાબી કાળના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત અને અભૂતપૂર્વ કાયાકલ્પ થવા જઈ રહ્યો છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ એરપોર્ટના સંપૂર્ણ આધુનિકીકરણ અને સર્વાંગી વિકાસ માટે અંદાજે 363 કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાલમાં કાર્યરત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં અનેક નવી તકો ઊભી થશે.
જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે દેશ-વિદેશમાં કારકિર્દી બનાવવા માટેના મોટા દ્વાર ખૂલી જશે. આ આધુનિકીકરણ પ્રક્રિયા પૂર્ણ થતાં જ કેશોદ એરપોર્ટની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત મજબૂત બનશે અને પ્રાદેશિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે.
મોટા એરક્રાફ્ટનું સરળતાથી લેન્ડિંગ થશે કેશોદ એરપોર્ટના ડાયરેક્ટર રાજકપૂર મીનાએ જણાવ્યું હતું કે, અત્યારે કેશોદ એરપોર્ટ પર વર્તમાનમાં માત્ર ATR 72 પ્રકારના એરક્રાફ્ટ, જેને ટેકનિકલ ભાષામાં આપણે કોડ-3 એરક્રાફ્ટ પણ કહીએ છીએ, તેને જ લેન્ડિંગ કરવા માટેની મર્યાદિત ફેસિલીટી ઉપલબ્ધ છે.
પરંતુ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે જે નવા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, આ તમામ વિકાસ કાર્ય સંપૂર્ણપણે કમ્પ્લિટ થયા પછી કેશોદ એરપોર્ટની ક્ષમતામાં વ્યાપક વધારો થઈ જશે. આ એરપોર્ટ પર એરબસ 320 જેવા મોટા કદના પેસેન્જર એરક્રાફ્ટને પણ ખૂબ જ સરળતાથી લેન્ડ કરવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ જશે.

