Gujarat

વરસાદી લાઈનમાં ગેરકાયદે ગટરનું જોડાણ કરી ગંદું પાણી ઠલવાતાં લીલીયા તળાવ દૂષિત બન્યું

પાલનપુરના ગઠામણ હાઈવે પર આવેલ લીલીયા તળાવને જોડતી વરસાદી ડ્રેનેજ લાઈનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલી લાઈનમાં આસપાસની મોટાભાગની રહેણાંક સોસાયટીઓના ગટર જોડાણો આપ્યા છે, જેના કારણે ગંદું પાણી સીધું જ લીલીયા તળાવમાં ઠલવાઈ રહ્યું છે. પરિણામે તળાવનું પાણી પ્રદૂષિત બન્યું હોવાની સાથે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને આરોગ્ય સંબંધી ચિંતાઓ ઊભી થઈ છે. આ મામલે સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ભાસ્કરની ટીમે સ્થળ મુલાકાત દરમિયાન લીલીયા તળાવની આસપાસ ગંદકીના ઢગલા, પ્લાસ્ટિક કચરો અને પાણીની સપાટી પર ફેલાયેલા ફીણના દ્રશ્યો જોવા મળ્યા હતા. તળાવનું પાણી લીલાશ પડતું અને અસ્વાભાવિક દેખાતું હોવાથી સ્થાનિકો તેને ગટર મિશ્રિત પાણી હોવાનું કહીં રહ્યા છે. તળાવની આજુબાજુ સતત દુર્ગંધ ફેલાતી હોવાથી લોકો માટે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે.

સ્થળ પર ચાલતા ખોદકામ દરમિયાન એક કૂવા જેવી રચનામાંથી સતત ગંદું પાણી વહેતું જોવા મળ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વરસાદી પાણીની લાઈન છે, જેમાં નજીકની કેટલીક નવી સોસાયટીઓના ગટર કનેક્શન જોડવામાં આવ્યા છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો વરસાદી પાણીના નિકાલ માટેની જાહેર સુવિધાનો ગેરઉપયોગ થયો હોવાનું સામે આવી શકે છે.