ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કોમોડિટી ટ્રેડિંગના મોટા કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે 13 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા ‘કોમોડિટી ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ’ને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ તરીકે જાહેર કર્યો છે. આ નિર્ણય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટીની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. આ સાથે GIFT IFSCમાં કાર્યરત સંસ્થાઓ માટે કોમોડિટી ટ્રેડિંગ સંબંધિત નવી તકો ઊભી થવાનો માર્ગ ખુલ્યો છે.
ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન (IIFT)ના ગિફ્ટ સિટી કેમ્પસના વડા રાજેન્દ્ર પ્રસાદ શર્માએ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, ભારતની આયાતમાં અનેક કોમોડિટીઝનો મોટો હિસ્સો છે અને તેનું સોર્સિંગ વિશ્વના અલગ-અલગ દેશોમાંથી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમોડિટીના ભાવમાં થતી વધઘટ વેપારીઓ ઉપરાંત સમગ્ર અર્થતંત્રને અસર કરે છે. હવે કોમોડિટી ટ્રેડિંગ કોન્ટ્રાક્ટને ફાઇનાન્શિયલ પ્રોડક્ટનો દરજ્જો મળતાં ગિફ્ટ સિટી મારફતે વેપાર કરતી સંસ્થાઓને નવા વિકલ્પો મળશે.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટથી મોંઘવારી સુધી અસર રાજેન્દ્ર પ્રસાદ શર્માના જણાવ્યા અનુસાર, કોમોડિટી ટ્રેડિંગમાં સૌથી મોટું જોખમ ભાવમાં થતી વધઘટનું છે. ઉદાહરણ તરીકે, ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવે તો તેની અસર ઊર્જા ખર્ચ, પરિવહન ખર્ચ અને અંતે મોંઘવારી પર પડે છે. આવી સ્થિતિમાં કોમોડિટી ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ અને સંબંધિત ફાઇનાન્શિયલ વ્યવસ્થાઓ વેપારીઓને ભાવના જોખમનું સંચાલન કરવામાં મદદરૂપ બની શકે છે.

