Gujarat

ગુજરાતમાં એવિએશન સેક્ટરમાં રોકાણના નવા દ્વાર ખૂલશે

ગુજરાતને એવિએશન અને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક હબ બનાવવાની દિશામાં ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 19 અને 20 નવેમ્બરના રોજ બે દિવસીય ‘IndiAirport Expo 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સ્પોની પાંચમી આવૃત્તિનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમ વખત દિલ્હીની બહાર ગુજરાતમાં આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે. તેમાં દેશ-વિદેશની એવિએશન, એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને પ્રવાસન ક્ષેત્રની કંપનીઓ ભાગ લઈ રહી છે.

રાજ્યના નાગરિક ઉડ્ડયન સચિવ ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ભારતનું એવિએશન સેક્ટર ઝડપથી વિકાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના દ્વારા સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરીની તકો વધી છે. ગુજરાત પાસે મજબૂત ઔદ્યોગિક પાયો, આધુનિક લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન હોવાથી રાજ્ય એવિએશન ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાદેશિક એરપોર્ટના વિસ્તરણની સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રોજેક્ટ્સ પર પણ કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં કાર્ગો સેવાઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં બે નવા એરપોર્ટ વિકસાવવાનું આયોજન છે. આગામી સમયમાં એવિએશન અને તીર્થયાત્રા પ્રવાસન ક્ષેત્રને પણ તેનો લાભ મળશે. એક્સ્પાને મળેલા પ્રતિસાદને જોતાં આગામી વર્ષે પણ ગુજરાતમાં જ તેનું આયોજન થાય તેવી શક્યતા છે.