ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીપળીયા પુલ નજીકથી એક શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી હથિયાર કબ્જે કરી ઘોઘા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે દરોડો પાડી આરોપીને દબોચ્યો SOGનો સ્ટાફ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, પીપળીયા પુલથી ઘોઘા જવાના રસ્તે રણજીત કાંટા પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે ઊભો છે. બાતમીના આધારે ટીમે તાત્કાલિક દરોડો પાડીને સંજય શુકલભાઈ સાંખટ (રહે. તપોવન સ્કૂલની પાછળ, મહેશ્વરી સોસાયટી, ચિત્રા, ભાવનગર) નામના શખ્સને ઝડપી લીધો હતો.
આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો અટકાયત બાદ સંજય સાંખટની અંગજડતી લેતાં તેની પાસેથી રૂ. 5,000ની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. SOG એ પિસ્તોલ કબ્જે કરીને આરોપી વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

