Gujarat

ભાજપના નેતાના પુત્ર સહિત 3 સામે ઠગાઈની ફરિયાદ

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી દુકાન અપાવવાની લાલચ આપી શિક્ષિકા સાથે 12 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ટુકડે-ટુકડે ઓનલાઇન અને રોકડ રકમ મેળવી રૂપિયા પડાવી લીધા હતા જોકે, દસ્તાવેજ કરી આપ્યો નહોતો. ભાજપના નેતા રાકેશ જોષીના પુત્ર કશ્યપ જોષી સહિત 3 આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષિકાને વિશ્વાસમાં લઈ આવાસ યોજનાની દુકાન નંબર-4 બતાવી વડોદરા શહેરના ગોત્રી રોડ પર પંચામૃત સોસાયટી સામે શૈલી એપાર્ટમેન્ટમાં રહેતાં 56 વર્ષીય સંધ્યાબેન જાધવ ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. આશરે બે વર્ષ પહેલાં હરિનગર ચાર રસ્તા પાસે ગેરેજ ચલાવતા જીમી લુકાસના સંપર્કમાં તેઓ આવ્યાં હતાં. જીમીના ગેરેજ પર આવતા જીલ બારોટની ઓળખાણ જીમીએ સંધ્યાબેન સાથે કરાવી હતી. જીલ બારોટે પોતે અને તેના મિત્રો સરકારી આવાસ યોજનામાં મકાન-દુકાન અપાવવાનું કામ કરતા હોવાનું જણાવી સુભાનપુરા હાઇટેન્શન રોડ પર ઝાંસી રેસિડેન્સી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાન નંબર-4 બતાવી હતી.

રકમ મોકલી દીધી હોવા છતાં દુકાનનો કબજો સોંપ્યો ન હતો દુકાનની કિંમત 12 લાખ રૂપિયા નક્કી થતાં સંધ્યાબેને બુકિંગ પેટે 2 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ જીલ બારોટ અને તેના સાથી કશ્યપ જોષીએ નોટરી સમક્ષ બાનાખત કરાવી આપ્યું હતું. દુકાનના વેચાણ દસ્તાવેજ માટે સંધ્યાબેને સમયાંતરે ઓનલાઇન અને રોકડ રકમ ચૂકવી હતી.

જીલ બારોટ, કશ્યપ જોષી અને રણવીરસિંહ સિંધાના ખાતામાં અલગ-અલગ તબક્કે નાણાં જમા કરાવ્યાં હતાં. આ ઉપરાંત દસ્તાવેજના નામે રોકડ રકમ પણ આપી હતી. આમ, કુલ રૂ.12 લાખ ચૂકવ્યા હોવા છતાં દુકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહોતો કે કબજો સોંપવામાં આવ્યો નહોતો.