જામનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઈનની સરાહનીય અને સંવેદનશીલ કામગીરી સામે આવી છે. શહેરની એક ચોકડી પાસે છેલ્લા ત્રણ દિવસથી અત્યંત અસહાય અને નિરાધાર હાલતમાં ભટકતાં એક વૃદ્ધ માજીને 181ની ટીમે સમયસર મદદ પહોંચાડીને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો છે.
એક જાગૃત નાગરિકે 181 પર કોલ કરીને માહિતી આપતા કાઉન્સેલર ઈશિતા પરમાર, ASI તારાબેન ચૌહાણ અને પાયલોટ રામજીભાઈ સિયારની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન માજીએ હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા જણાવ્યું કે, પતિ અને પુત્રના અવસાન બાદ પુત્રવધૂએ તેમને સાથે રાખવાનો ઇનકાર કર્યો હતો. ઘૂંટણની તકલીફ હોવાથી તેઓ હોસ્પિટલમાં આશરો લેતા હતા, પરંતુ ત્યાં એક નશાખોરે મારપીટ કરતા તેઓ નીકળી ગયા હતા અને ત્રણ દિવસથી રસ્તા પર ભૂખ્યા-તરસ્યા બેઠા હતા.
વૃદ્ધાની કરુણ સ્થિતિ જોઈ 181ની ટીમે તેમને હિંમત આપી અને તમામ જરૂરી સહાય સાથે જામનગરના સખી વન સ્ટોપ સેન્ટરમાં રિફર કર્યા હતા. યોગ્ય સમયે આશરો મળતા માજીએ 181ની ટીમ અને જાગૃત નાગરિકનો આભાર માન્યો હતો.

