Gujarat

DDO નિશા ચૌધરીએ વાંસજાળીયા ગામે વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સમયસર પહોંચે અને વિકાસના કાર્યો ગુણવત્તાસભર થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. આ અંતર્ગત જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) નિશા ચૌધરીએ જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી.

DDO નિશા ચૌધરીએ વાંસજાળીયા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) તેમજ આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં ચાલતી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે આંગણવાડીના બાળકોના પોષણ અને આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ અંગે સ્ટાફ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત, તેમણે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વાંસજાળીયા ગામમાં ચાલુ રહેલા તેમજ પૂર્ણ થયેલા વિકાસના કામોનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ગામમાં થયેલા વિકાસના વિવિધ એકમો અને સુવિધાઓ ગ્રામજનો માટે વધુને વધુ લોકઉપયોગી બની રહે તે માટે તેમણે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાના ઉચ્ચ અધિકારીની આ મુલાકાતને પગલે સ્થાનિક તંત્રમાં સક્રિયતા જોવા મળી હતી. આ મુલાકાતથી ગ્રામીણ સ્તરે સરકારી કામોને વધુ વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.