Gujarat

જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવના પાણીમાં કાચબા સહિત માછલાઓના મૃતદેહ જોવા મળતા તંત્ર દોડયું

જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવના પાણીમાં ડઝનેક કાચબાઓ સાથે અનેક માછલાઓ પણ મૃત હાલતમાં કાઠા પાસે તણાઇ આવેલી હાલતમાં જોવા મળ્યા હતા.જે બાદ મનપા ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટુકડી સોમવારે સવારે તપાસ અર્થે સ્થળ પર દોડી ગઇ હતી.

જયારે જળચર જીવના મોટી સંખ્યામાં મૃત્યુના બનાવના પગલે જીવદયા-પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાઇ હતો.બીજી બાજુ જળચર જીવોના મૃત્યુનુ ચોકકસ કારણ જાણવા માટે પાણીના નમૂના પણ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હવે પાણીના રીપોર્ટ પર સૌની મીંટ મંડાઇ છે. શહેરના લાખોટા તળાવના ગેઇટ નં. 5 સામે મ્યુઝીયમ જવાના માર્ગ પર રવિવારે સાંજે મોટી સંખ્યામા માછલાઓ સાથે લગભગ અગીયાર કાચબાના મૃતદેહ જોવા મળતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

બનાવના પગલે મહાનગરપાલિકા ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી.જે બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂનાઓ લઇ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.જેના રીપોર્ટ બાદ જળચર જીવોના મૃત્યુનુ કારણ સંભવત સ્પષ્ટ થશે એમ માનવામાં આવી રહયુ છે. બીજી બાજુ મનપા સુત્રોના જણાવ્યા મુજબ તળાવની પાળ પર જળચર જીવોને અમુક વસ્તુઓ નાખવા પર પ્રતિબંધ હોવા છતા અમુક લોકો આવી વસ્તુઓ પણ નાખતા હોવાનુ પણ સમયાંતરે જોવા મળતુ હોવાનુ સામે આવ્યુ હતુ.