Gujarat

દિવાળી વેકેશનમાં ઘરોની સુરક્ષા માટે દહેગામ પોલીસની બેઠક

દિવાળીની રજાઓમાં ચોરી અને શંકાસ્પદ બનાવો અટકાવવા દહેગામ પોલીસે સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી. ગઈકાલે દહેગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. તેમાં દહેગામ ટાઉનની વિવિધ સોસાયટીઓના પ્રમુખો, હોદ્દેદારો અને વહીવટકર્તાઓ હાજર રહ્યા હતા.

તહેવારોમાં લોકો બહારગામ જતા હોવાથી ઘરો અને પરિવારની સુરક્ષા અંગે પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું. બહારગામ જતી વખતે સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત જગ્યાએ અથવા બેંક લોકરમાં રાખવા અપીલ કરાઈ હતી.

લાંબા સમય માટે ઘર બંધ રાખીને જવાનું હોય તો પડોશીઓને અને દહેગામ પોલીસ સ્ટેશનને અગાઉથી જાણ કરવા કહેવામાં આવ્યું હતું. સોસાયટીમાં આવતા ફેરિયાઓ, કારીગરો અને અજાણ્યા લોકોનાં નામ, સરનામાં અને મોબાઈલ નંબર નોંધવા સિક્યુરિટી ગાર્ડને સૂચના આપવા પણ જણાવાયું હતું.