Gujarat

ITIના પ્રવાસી ઇન્સ્ટ્રક્ટરોને હવે બમણું મહેનતાણું

રાજ્યની સરકારી અને અનુદાનિત ITIમાં તાલીમ આપતા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી કલાકના રૂ.90 લેખે માનદ વેતન મેળવતા ઇન્સ્ટ્રક્ટરોને હવે કલાકના રૂ.180 મળશે. એટલે કે, તેમના મહેનતાણામાં સીધો બમણો વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કૌશલ્ય આધારિત તાલીમમાં યોગદાન આપતા આ ઇન્સ્ટ્રક્ટરોને આર્થિક પ્રોત્સાહન આપવાની સાથે ITIમાં તાલીમ વ્યવસ્થા વધુ મજબૂત કરવાનો સરકારનો પ્રયાસ છે.

દૈનિક- માસિક મહત્તમ મર્યાદામાં પણ બમણો વધારો શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે જાહેર કરેલા નવા ઠરાવ પ્રમાણે માત્ર કલાકદીઠ વેતન જ નહીં, પરંતુ દૈનિક અને માસિક મહત્તમ મર્યાદામાં પણ બમણો વધારો કરાયો છે. અગાઉ એક દિવસના મહત્તમ રૂ.540 મળતા હતા, જે હવે વધારીને રૂ.1,080 કરવામાં આવ્યા છે. તેવી જ રીતે માસિક મહત્તમ માનદ વેતન રૂ.14,040થી વધારીને રૂ.28,080 કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવાયો છે. ઠરાવની તારીખથી જ નવા દરો અમલમાં મૂકવામાં આવ્યા છે.

ઇન્સ્ટ્રક્ટરોની અછત અને તાલીમની ગુણવત્તા પર ફોકસ રાજ્યની ITIમાં વિવિધ ટ્રેડમાં વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી તાલીમ આપવા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોની સેવાઓ લેવામાં આવે છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ ઉદ્યોગોમાં ઉપયોગી થાય તેવું પ્રેક્ટિકલ જ્ઞાન અને ટેક્નિકલ કૌશલ્ય પણ શીખવે છે.

જોકે, મર્યાદિત માનદ વેતનને કારણે વધુ સારા અને અનુભવી ઇન્સ્ટ્રક્ટરોને આ વ્યવસ્થા સાથે જોડવા પડકારરૂપ બની શકે છે. હવે વેતન બમણું થતાં વધુ અનુભવી ઇન્સ્ટ્રક્ટરો ITIમાં સેવા આપવા પ્રેરાશે તેવી સરકારને આશા છે. તેની સીધી અસર વિદ્યાર્થીઓની તાલીમ પર પડશે અને ઇન્સ્ટ્રક્ટરોની અછતને કારણે અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે દિશામાં પણ મદદ મળશે.