લોકો જ્યારે પોતાના પ્રશ્નો, આશાઓ લઈને જનપ્રતિનિધિઓ પાસે આવે ત્યારે તેમની સાથે સન્માનપૂર્ણ વર્તન કરવું જરૂરી: શ્રી હર્ષ સંઘવી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત એક જનસેવા-ઉપહાર કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને નગરસેવકોને જનતા સાથે સતત જાેડાયેલા રહેવાની મહત્વપૂર્ણ સલાહ આપી. પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપ એક સંસ્કારી પાર્ટી છે અને જન પ્રતિનિધિઓએ હંમેશા નમ્રતા અને સેવાભાવ સાથે કામ કરવું જાેઈએ.
મજૂરા વિધાનસભા વિસ્તારમાં આજે એક વિશેષ ‘જનસેવા ઉપહાર વિતરણ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વિવિધ પ્રસંગોએ મળેલી મોંઘી ભેટ-સોગાદોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે પોતાની આ ભેટો મજૂરા વિધાનસભાના પાયાના કાર્યકરો અને નગરસેવકોને આપીને એક અનોખો અભિગમ રજૂ કર્યો હતો. જાેકે, આ કાર્યક્રમ માત્ર ભેટ વિતરણ પૂરતો મર્યાદિત ન રહેતા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક ‘શિસ્તના પાઠ‘ સમાન બની રહ્યો હતો.
નગરસેવકોને ‘સાહેબ‘ ન બનવા ટકોર
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધનમાં અત્યંત ગંભીર સૂર અપનાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “નગરસેવક બની ગયા એટલે સાહેબ બની ગયા તેવું ના વિચારતા.” તેમણે ઉમેર્યું કે જાે લોકપ્રતિનિધિઓ પોતાનામાં અહંકાર લાવશે તો તેઓ ક્યારેય જનતાના દિલમાં સ્થાન મેળવી શકશે નહીં. સત્તા એ સેવાનું માધ્યમ છે, વર્ચસ્વ જમાવવાનું સાધન નથી તેવો સ્પષ્ટ સંદેશ તેમણે આપ્યો હતો.
તેમજ વધુમાં શ્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું કે, તમારી પાસે કામ લઈને આવનાર સામાન્ય નાગરિક સાથે યોગ્ય અને વિનમ્ર વર્તન કરવું અનિવાર્ય છે. પ્રજાના પ્રશ્નો માટે ગમે ત્યારે ફોન આવી શકે છે અને એક જનસેવક તરીકે તમારે તે માટે તૈયાર રહેવું જાેઈએ. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે, “જાે તમે લોકોના ફોન ઉપાડવાની તસ્દી નહીં લો, તો પક્ષમાં કે સત્તામાં તમારી કોઈ જરૂર નથી.”
‘વિસ્તારના અનુભવી લોકો, વડીલોને સાથે લઇને આગળ વધજાે‘
શ્રી હર્ષ સંઘવીએ નગરસેવકોને સલાહ આપી હતી કે પોતાના વિસ્તારના અનુભવી લોકો અને વડીલોને સાથે રાખીને જ આગળ વધવું જાેઈએ. તેમણે ટેકનોલોજી અને નેટવર્કનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “તમે કઈ ગલીમાં ઊભા છો અને શું કરી રહ્યા છો, તેની તમામ વિગતો મારી પાસે હોય છે.” લોકહિતના કામમાં બેદરકારી કે લોકો સાથે ગેરવર્તન કોઈપણ સંજાેગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવી તેમણે ખાતરી આપી હતી.

