નશાના કાળા કારોબાર સામે પોલીસની વધુ એક મોટી એક્શન, જિલ્લાની એસ.ઓ.જી. પોલીસે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે દરોડો પાડીને એક યુવકને લાખો રૂપિયાની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના રહેણાંક મકાનમાંથી ૨.૫૯ લાખ રૂપિયાની કિંમતનું ૧.૩૬ કિલોગ્રામ ચરસ કબજે કરીને વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય રામ ગામીના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના ઘરમાં આવેલી સેટીના ખાનામાંથી ૧.૩૬ કિલોગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. પોલીસે ચરસનો જથ્થો કબજે કરી આરોપી રામ ગામીની અટકાયત કરી હતી.
પોલીસની તપાસ અને પૂછપરછમાં આરોપી રામ ગામીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, પોરબંદરના મિયાણી ગામના તેના મિત્ર કરશન વાઘેલાને દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસનું આ પેકેટ મળી આવ્યું હતું. કરશને તેને સસ્તા ભાવે પેકેટ આપી દેવાની વાત કરતાં, આશરે ચારેક મહિના પહેલાં રામે તેની પાસેથી માત્ર ૧૦ હજાર રૂપિયામાં આ ચરસ ખરીદ્યું હતું.
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, રામ ગામીએ આ ચરસ વેચીને વધુ નફો કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે આ પેકેટ પોતાના ઘરે છુપાવી રાખ્યું હતું અને વેચવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ લાંબા સમયથી તેને કોઈ ગ્રાહક મળી રહ્યો નહોતો.
આ અંગે એસ.ઓ.જી. પોલીસે મુખ્ય આરોપી રામ ગામીની અટકાયત કરી છે. જ્યારે ચરસનો જથ્થો પૂરો પાડનાર પોરબંદરના કરશન વાઘેલા તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખસો સામે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

