અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો એક મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કતાર એરવેઝની ફ્લાઇટમાં દોહા થઈને જેદ્દાહથી અમદાવાદ આવેલા એક ૨૪ વર્ષીય યુવાન પાસેથી અંદાજે ૬૬ લાખ રૂપિયાની કિંમતનું સોનું ઝડપાયું છે. કસ્ટમ્સ એઆઇયુના અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે શંકાસ્પદ મુસાફરને અટકાવીને સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં આ ભાંડો ફૂટ્યો હતો.
તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા
તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે પકડાયેલા મુસાફરે સોનાની હેરાફેરી માટે અનોખી જ પદ્ધતિ અપનાવી હતી. મુસાફરના શરીરના મળાશયમાંથી ૪૬૭.૦૯ ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ દ્વારા આ પેસ્ટમાંથી શુદ્ધિકરણ કરીને ૪૨૨.૮૩ ગ્રામ વજનનો ૨૪ કેરેટ સોનાનો બાર તૈયાર કરવામાં આવ્યો છે. પકડાયેલા સોનાની વર્તમાન બજાર કિંમત આશરે ૬૫.૬૯ લાખ રૂપિયા આંકવામાં આવી છે.
આ કેસમાં ગોધરાના રહેવાસી સરફરાઝ માલાની કસ્ટમ્સ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે ગોધરાના અલ્તાફ નામના શખ્સે તેને આ કામ માટે ૧૨ હજાર રૂપિયા આપ્યા હતા. આરોપી અગાઉ હૈદરાબાદ અને મુંબઈની મુસાફરી કરી ચૂક્યો હોવાની માહિતી પણ સામે આવી છે. જાે કે, તે પહેલીવાર સોનું લાવ્યો હતો અને પહેલી જ વખતમાં કસ્ટમ્સના હાથે ઝડપાઈ ગયો હોવાનો દાવો કરી રહ્યો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા આ સોનું કોના માટે અને કયા હેતુસર લાવવામાં આવ્યું હતું તથા તેની પાછળ કયું મોટું નેટવર્ક સંકળાયેલું છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

