Gujarat

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં ગેરકાયદેસર અને નકલી દવાઓ સામે ચાલી રહેલી ‘ઝીરો ટોલરન્સ‘ નીતિ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને બિનઅધિકૃત તબીબી પ્રેક્ટિસ અટકાવવાના ભાગરૂપે નડિયાદ વિભાગીય કચેરી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રવર ઔષધ નિરીક્ષક કુ. ભૂમિ વી. પટેલ તથા ઔષધ નિરીક્ષક શ્રી વિશાલ આર. રૂપાપરાની ટીમે ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ધોળીકૂઈ (તા. કપડવંજ) ખાતે આવેલ “ડોક્ટર સોની, બાવીશી વાળાનું દવાખાનું” પર દરોડો પાડ્યો હતો અને ક્લિનિક સંબંધિત તમામ દસ્તાવેજાે તથા દવાઓના જથ્થાની તપાસ હાથ ધરી હતી.

તપાસ કરતી ટીમ દ્વારા સ્થળ પરથી વેચાણ માટે રાખવામાં આવેલો શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. લેબલ વગરની ૧૦૦ મિ.લી. ક્ષમતા ધરાવતી પારદર્શક પ્લાસ્ટિકની ૧૬૦ બોટલોમાંથી લાલ રંગનું પ્રવાહી મળી આવ્યું હતું, જેને ટીમે સીઝ કરી વધુ તપાસ અર્થે સેમ્પલ લીધા હતા.

દરોડા દરમિયાન સ્થળ પરથી “રતવાની દવા” દર્શાવતા લેબલ, આશરે ૧,૦૦૦ ખાલી બોટલો તથા ‘વિટામિન B-Complex‘ દવાની ૪.૫ લીટર ક્ષમતા ધરાવતા ૯૨ ભરેલા પ્લાસ્ટિક કન્ટેનર અને વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા હતા. ટીમે સ્થળ પરથી કુલ રૂ. ૬૬,૪૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કાયદેસર રીતે સીઝ કર્યો છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દવાખાનું ચલાવતા ડૉ. સોની (B.H.M.S.) છેલ્લા પાંચ વર્ષથી આ પ્રેક્ટિસ કરતા હતા. તેઓ અમદાવાદની ‘પરેશ ટ્રેડીંગ કોર્પોરેશન‘ નામની પેઢી પાસેથી ‘Euphoria Pharmaceuticals, Mumbai‘ દ્વારા ઉત્પાદિત ENGE PLEX‘ (વિટામિન B-Complex) દવા ૪.૫ લીટરના કન્ટેનરમાં ખરીદતા હતા. ત્યારબાદ આ દવાને પોતાના દવાખાનામાં જ ૧૦૦ મિ.લી.ની નાની બોટલોમાં રીપેક કરી, પોતાનું બ્રાન્ડેડ લેબલ લગાવી દર્દીઓને બોટલ દીઠ રૂ. ૮૦/- ના ભાવે બિનઅધિકૃત રીતે વેચતા હતા.

દરોડા દરમિયાન સામે આવ્યું છે કે, આ પ્રવાહી દવાના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદન પરવાનો (Manufacturing License) કે પ્રોડક્ટ પરમિશન ઉપલબ્ધ નહોતી. આ સિવાય નિયમ મુજબ જાળવવાના થતા બેચ મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ, સ્ટોક રજિસ્ટર કે વેચાણ બિલ/કેશમેમો જેવા કોઈ પણ દસ્તાવેજાે સ્થળ પર રાખવામાં આવતા નહોતા. બોટલ પર દવાનું નામ, ઉત્પાદકનું સરનામું, કમ્પોઝિશન, બેચ નંબર, ઉત્પાદન અને એક્સપાયરી ડેટ કે લાયસન્સ નંબર જેવી કોઈ પણ કાયદાકીય વિગતો દર્શાવવામાં આવી નહોતી.

તપાસ ટીમે સ્થળ પરથી શંકાસ્પદ દવાની બોટલોના સેમ્પલ લઈ પૃથક્કરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦‘ તથા ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, ૧૯૪૫‘ ની કડક જાેગવાઈઓ હેઠળ સંચાલકો સામે ગુનો દાખલ કરી આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નાગરિકોને જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે કે, નિષ્ણાત પિડિયાટ્રિશિયનની સલાહ વગર ૬ માસથી નાના બાળકોને માતાના દૂધ સિવાય ઉપરનો કોઈપણ ખોરાક, ઘૂંટી, દવા કે પ્રવાહી આપવું બાળકના સ્વાસ્થ્ય માટે અત્યંત જાેખમી સાબિત થઈ શકે છે. નાગરિકોને માત્ર પ્રમાણિત અને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ મુજબ જ દવાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે.