Gujarat

પૂર્વ અગ્નિવીરોની ગુજરાત પોલીસમાં સીધી ભરતી, કોઈ પરીક્ષા નહીં

પૂર્વ અગ્નિવીરોને ગુજરાત પોલીસમાં કોઈ પણ પરીક્ષા વિના નોકરી મળશે. ગૃહ વિભાગે 9 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરેલા સુધારા નિયમો મુજબ હવે પૂર્વ અગ્નિવીરોને પોલીસ વિભાગની નિર્ધારિત ગણવેશધારી જગ્યાઓ પર સીધી ભરતીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષામાંથી પણ મુક્તિ મળશે.

અગાઉ રાજ્ય સરકારે તેમને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપી હતી. હવે બંને પરીક્ષામાંથી મુક્તિ મળતાં પોલીસમાં નોકરી મેળવવા ઇચ્છતા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયા સરળ બનશે. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પણ જાહેરાત કરી છે.આ ભરતીના નિયમો, યોગ્યતા અને શરતો અંગે સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ (GR) પણ કરી દેવાયો છે.

ગૃહ વિભાગે જાહેર કરેલા નવા સુધારા દ્વારા મૂળ નિયમોમાં નિયમ 5 પછી નિયમ 5A ઉમેરવામાં આવ્યો છે. આ નિયમ મુજબ સીધી ભરતીની પ્રક્રિયામાં પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે. આ સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવશે.

મૂળ નિયમો મુજબ પૂર્વ અગ્નિવીરોને ભરતી માટેની મહત્તમ વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અગ્નિવીરોની પ્રથમ બેચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવાની જોગવાઈ છે. આ જોગવાઈમાં 9 ઓક્ટોબરના સુધારા દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.