Gujarat

ઠગ દંપતિની ધરપકડ બાદ ખુલાસો: અનિલ વિભાણીના 3 બેંક લોકરમાંથી 7.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજ્યભરમાં સનસનાટી મચાવનારા હાઈપ્રોફાઈલ છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા ‘બેતાજ બાદશાહ’ અનિલ વિભાણી અને તેની પત્ની જીમી વિભાણીના ચોંકાવનારા કારનામાઓ પરથી એક પછી એક મોટા પડદા ઊંચકાઈ રહ્યા છે. હાઈપ્રોફાઈલ ઠગ દંપતીની ધરપકડ બાદ હાથ ધરાયેલી સઘન તપાસમાં તેમના અલગ-અલગ શહેરોમાં આવેલા બેંક લોકર્સમાંથી અઢળક સોનું, ચાંદી, કિંમતી રોકાણો અને દસ્તાવેજો મળી આવ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં દંપતીના લોકર્સમાંથી કરોડો રૂપિયાની કાળી કમાણીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સરકારી વિભાગોમાં વગ હોવાનો દાવો કરી આચરતા કરોડોની ઠગાઈ પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અનિલ વિભાણી અને તેની પત્ની જીમી વિભાણી પોતાની ઓળખ ‘લાયઝનિંગ કમ એજન્ટ’ તરીકે આપતા હતા. તેઓ ભોગ બનનારા સામાન્ય તેમજ મોટા વેપારીઓને એવો વિશ્વાસ અપાવતા હતા કે વિવિધ સરકારી વિભાગોમાં તેમની ઊંચી વગ અને સારી ઓળખાણ છે, જેનાથી તેઓ ગમે તેવા અટકેલા કામો ચપટીમાં કરાવી આપી શકે છે. આ ખોટા દાવા અને સેટલમેન્ટના બહાને દંપતીએ રાજ્યભરમાં અસંખ્ય લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા હતા.

અલગ-અલગ શહેરોના બેંક લોકર્સમાંથી ખૂલ્યો કુબેરનો ખજાનો ઠગ દંપતીની ધરપકડ બાદ પોલીસે તેમની કાળી કમાણીના સગડ મેળવવા બેંક ખાતાઓ અને લોકર્સની તપાસ શરૂ કરી હતી. બંનેના સંયુક્ત નામે ચાલતા ત્રણ અલગ-અલગ બેંક લોકર્સ ઓપરેટ કરવામાં આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

લોકર્સની તપાસ દરમિયાન નીચે મુજબનો મસમોટો મુદ્દામાલ મળી આવ્યો છે: અહીંના લોકરમાંથી પોલીસે સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં 4.5 કિલો સોનું અને 837 ગ્રામ ચાંદી મળી કુલ રૂપિયા 6.30 કરોડની કિંમતી મતા મળી આવી છે. આ ઉપરાંત 11 જેટલી જુદી-જુદી કિંમતી વીમા પોલિસીઓ પણ જપ્ત કરાઈ છે.

ધ્રાંગધ્રા ખાતે આવેલા બે લોકર્સની તપાસ દરમિયાન અંદાજે રૂપિયા 1 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના અને કિંમતી બ્રાન્ડેડ ઘડિયાળો મળી આવી છે. સાથે જ પ્રોપર્ટીના દસ્તાવેજો અને 22 જેટલી ઇન્સ્યોરન્સ વીમા પોલિસીઓ પણ હાથ લાગી છે. સુરતની બેંકમાં આવેલા લોકરમાંથી પણ પોલીસે આશરે રૂપિયા 30 લાખની કિંમતના કિંમતી દાગીનાઓ શોધી કાઢીને જપ્ત કર્યા છે.