વસ્તી ગણતરીની કામગીરી દરમિયાન શિક્ષકોને પડતી મુશ્કેલીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેટલાક જિલ્લાઓમાં DEOએ શાળાના સમય બાદ વસ્તી ગણતરીની કામગીરી કરવા પરિપત્ર કરતા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 55થી 56 ટકા શિક્ષિકાઓ વસ્તી ગણતરીની કામગીરીમાં ફરજ બજાવે છે. જેથી તેમને સ્કૂલ બાદ ઘરની જવાબદારી પૂર્ણ કર્યા બાદ વસ્તી ગણતરી કામગીરી શક્ય બનતી નથી. જેથી ‘ઓન ડ્યુટી’ ગણીને વસ્તી ગણતરીની કામગીરી કરાવવામાં આવે તેને લઈને માગ કરી છે.
અન્ય 27 વિભાગના કર્મીઓને પણ કામગીરી સોંપવા માગ વસ્તી ગણતરીની કામગીરીમાં પડતી મુશ્કેલીઓને લઈને શૈક્ષિક મહાસંઘે અવાજ ઉઠાવ્યો છે. રાષ્ટ્રીય કામગીરી માત્ર શિક્ષકોને જ નહીં અન્ય 27 વિભાગમાં કામ કરતા સરકારી કર્મચારીઓને પણ સોંપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય કામગીરી સુગમતાથી પૂર્ણ થાય તે માટે યોગ્ય આયોજન કરવા શૈક્ષિક મહાસંઘે અપીલ કરી છે. તમામ વિભાગોને સરખી કામગીરી સોંપીને શિક્ષકો પરનો બોઝ હળવો કરવા પણ વસ્તી ગણતરીના નિયામકને માગ કરી છે.
શાળા સમય બાદની કામગીરીથી રોષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર મંત્રી રાકેશ ઠાકરે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વસ્તી નિયામકને મળીને રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારના તમામ જે 27 વિભાગો છે તે તમામને સરખી કામગીરી સોંપવામાં આવે તો શિક્ષણ પર કોઈ બોઝ આવે નહીં. શરૂઆતમાં પ્લાનિંગમાં શું થયું ખબર નહીં, પરંતુ 80થી 90 ટકા જેટલા શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. હવે કેટલાક જિલ્લાઓમાં એવું સામે આવ્યું છે કે વસ્તી ગણતરીની કામગીરી શાળાના સમય પછી કરવાનું કહેવામાં આવ્યું છે.

