રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી પૂર્ણ થયા આજે 75 દિવસ વીતવા છતાં ચેરમેન વાઇસ ચેરમેન સહીત હોદેદારોની નિમણુંક થવા પામી નથી અને તેની પાછળ બે બાહુબલીઓનું જૂથવાદ દબાણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે આજે રાજકોટ આવેલા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટે નિયમ મુજબ નિમણુંક કરવામાં આવશે અને કોઈ જૂથવાદ ન હોવાનુ કહી ડિપ્લોમેટિક જવાબ આપ્યા હતા અને આ સાથે તમામ લોકો જાણતા હોવા છતાં તેમના અને જયેશ રાદડિયા વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું કહી બન્ને લોકો પાર્ટી માટે કામ કરતા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતા તેમને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન વાઇસ ચેરમેન સહિત હોદેદારોની નિમણુંક અંગે સવાલ કરતા તેઓએ ડિપ્લોમેટીક જવાબ આપવાની કોશિશ કરી હતી. તેમના નિવેદનોમાં કયાંકને કયાંક જયેશ રાદડિયા સાથે મતભેદ ચાલી જ રહ્યો છે તેવું આડકતરી રીતે જોવા મળ્યું હતું.
રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં કુલ 15 બેઠક પર ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા અને તેમાં જયેશ રાદડિયા વર્સીસ પ્રશાંત કોરાટ જૂથ લડતા હોવાનું ભાજપના જ આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું. જેમાં પ્રશાંત કોરાટ જૂથના એક માત્ર બાબુ નસીતની જીત થવા પામી હતી જયારે બાકીની તમામ બેઠક પર જયેશ રાદડિયા જૂથના ઉમેદવારોની જીત થતા ફરી એક વખત સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો હાથ ઉપર રહ્યો હતો.

