Gujarat

રાજકોટમાં જિલ્લા કોંગ્રેસની બેઠક કોળી અગ્રણી અવચર નાકિયાનો હુંકાર- ‘કોંગ્રેસ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયા કે તેમના પુત્ર ડો. મનીષ બાવળિયાને ભરી પીશું’

આગામી 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના રાજકીય અને આર્થિક પાટનગર ગણાતા રાજકોટની નાગર બોર્ડિંગમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશેષ ટ્રેનિંગ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જસદણ વિસ્તારના કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અવચર નાકિયાએ સ્પષ્ટ શબ્દોમાં હુંકાર કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયા કે તેમના પુત્ર ડો. મનીષ બાવળિયાને ભરી પીશું’. જોકે આ જિલ્લા કોંગ્રેસનો ચૂંટણીલક્ષી પ્રથમ કાર્યક્રમ હોવા છતાં હોદ્દેદારોની પાંખી હાજરીને લઈને ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

અવચર નાકિયાએ કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપ પર આકરા પ્રહારો કરતું મોટું નિવેદન આપ્યું હતું. અને સ્પષ્ટ શબ્દોમાં હુંકાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી લડવાની ઈચ્છા તો બધાને હોય, પરંતુ અંતિમ નિર્ણય પક્ષ નક્કી કરતો હોય છે.

જો કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તો કુંવરજી બાવળિયાને ભરી પીશું. જસદણ-વિંછીયા (72 વિધાનસભા) બેઠક પર 2027માં કોંગ્રેસની જ જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ત્યાંની પ્રજાએ હવે ભાજપને હરાવવા અને કોંગ્રેસને લાવવાનું નક્કી કરી લીધું છે.