Gujarat

નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડામાં વહેલી સવારે ખાબકેલા ધોધમાર વરસાદથી નદીઓમાં આવ્યું ભરપુર પાણી

નર્મદા જિલ્લામાં સાગબારા અને સેળંબા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મનમુકીને વરસ્ય હતા જેથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. સાગબારા બાદ આ ચોમાસુ માહોલ ડેડીયાપાડા પંથકમાં પણ જોવા મળ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ખાબકેલા આ પ્રથમ વરસાદે જ સમગ્ર પંથકને પાણી-પાણી કરી દીધું છે. મોસમનો પહેલો વરસાદ જ આ પંથક માટે પૂર જેવી સ્થિતિ લઈને આવ્યો છે.

પહાડી અને જંગલ વિસ્તાર ગણાતા ડેડીયાપાડાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. ડેડીયાપાડાના ડુમખલ ગામ નજીકથી પસાર થતી તારવ નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે નદી બંને કાંઠે છલકાઈ ગઈ છે. પૂરના પાણી એટલા વહેતા હતા કે, ડુમખલ ગામથી સીધા મહારાષ્ટ્ર તરફ જતા મુખ્ય રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર કમર સમાણા પાણી ભરાઈ જવાના કારણે આંતરરાજ્ય વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

નર્મદા જિલ્લામાં હવામાનનો એક અનોખો અને આશ્ચર્યજનક સંયોગ જોવા મળ્યો છે. એકતરફ જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં મુસળધાર વરસાદથી પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે, તો બીજી તરફ જિલ્લાના બાકીના અન્ય ૫ તાલુકાઓમાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી. જોકે, સમગ્ર નર્મદા જિલ્લામાં સવારથી જ કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હોવાથી અને વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે લોકોને બફારા અને આકરી ગરમીમાંથી મોટી રાહત મળી છે.